ઇંગ્લેન્ડને ટી-20 સીરીઝમાં 4-1થી હરાવ્યું, ભારતનો સળંગ 17મો શ્રેણી વિજય

ઇંગ્લેન્ડને ટી-20 સીરીઝમાં 4-1થી હરાવ્યું, ભારતનો સળંગ 17મો શ્રેણી વિજય

ઇંગ્લેન્ડને ટી-20 સીરીઝમાં 4-1થી હરાવ્યું, ભારતનો સળંગ 17મો શ્રેણી વિજય

Blog Article

ભારતે ઇંગ્લેન્ડ સામેની પાંચ ટી-20ની સિરીઝમાં 4-1થી જડબેસલાક વિજય હાંસલ કર્યો હતો. રવિવારે મુંબઈમાં રમાયેલી પાંચમી અને છેલ્લી ટી-20માં મેચ ભારત વિરૂદ્ધ ઈંગ્લેન્ડના બદલે અભિષેક શર્મા વિરૂદ્ધ ઈંગ્લેન્ડની બની ગઈ હતી. અભિષેકે ઝંઝાવાતી બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ એક ઓવરમાં 3 રન આપી બે વિકેટ ખેરવી હતી. દેખિતી રીતે, તે પ્લેયર ઓફ ધી મેચ રહ્યો હતો, તો સ્પિનર વરૂણ ચક્રવર્તી પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર થયો હતો. વરૂણે પાંચ મેચની આ સીરીઝમાં 14 વિકેટ લીધી હતી.
આખી સીરિઝ દરમિયાન ભારતનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. રાજકોટમાં રમાયેલી ત્રીજી ટી-20 મેચને બાદ કરતાં ઇંગ્લેન્ડની ટીમ આખી સીરીઝમાં પ્રભાવહીન રહી હતી. ભારતે ચોથી ટી-20 મેચ જીતવાની સાથે સીરિઝમાં અજેય સરસાઈ મેળવી લીધી હતી. એ પછી અંતિમ મેચ પણ ભારત જીતી ગયું હતું. આ સાથે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 29 ટી-20માં ભારત 17 જીત્યું છે અને ઇંગ્લેન્ડ 12 જીત્યું છે. આશ્ચર્યની વાત એ છે કે આખી સીરિઝમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ બેટ વડે ખાસ સફળ રહ્યો નહોતો. ભારતનો આ ઘરઆંગણે સળંગ 17મો શ્રેણી વિજય હતો. ભારત ટી-20 સીરિઝમાં ઘરઆંગણે છેલ્લા છ વર્ષથી અપરાજીત છે. ભારતે પાંચમી અને અંતિમ ટી-20માં અભિષેક શર્માની 135 રનની વિસ્ફોટક બેટિંગ સાથે ભારતે 20 ઓવરમાં 9 વિકેટે 247 રન ખડકી દીધા હતા. તેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ ફક્ત 97 રનમાં ઓલઆઉટ થતાં 150 રને હારી ગઈ હતી. રનની દ્રષ્ટિએ ભારતે ન્યૂઝીલેન્ડને 2023માં અમદાવાદમાં 168 રને હરાવ્યા પછીનો બીજા નંબરનો સૌથી મોટો વિજય હતો. અભિષેક શર્માએ 52 બોલમાં 13 છગ્ગા અને સાત ચોગ્ગા સાથે 135 રન કર્યા હતા. તેણે ફક્ત 37 બોલમાં જ સદી કરી ભારત તરફથી બીજા નંબરની સૌથી ફાસ્ટેસ્ટ સદી નોંધાવી હતી. ભારતના જંગી જુમલા સામે ઇંગ્લેન્ડની ટીમ ફક્ત 10.3 ઓવરમાં 97 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડનો ઓપનર ફિલ સોલ્ટ 30 બોલમાં 55 રનની તોફાની ઇનિંગ્સ રમ્યો હતો, પરંતુ બાકીના બેટર સદંતર નિષ્ફળ નિવડ્યા હતા. આ રીતે ઇંગ્લેન્ડની આખી ટીમ અભિષેક શર્મા જેટલા રન પણ કરી શકી નહોતી.
ચોથી ટી-20માં ભારતનો 15 રને વિજયઃ ભારતે ઇંગ્લેન્ડને ચોથી વન-ડેમાં 15 રને હરાવ્યું હતું. ભારતના પ્રારંભિક ધબડકા પછી હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ તોફાની બેટિંગ કરીને 20 ઓવરમાં 9 વિકેટે 181 રન પર પહોંચાડ્યો હતો. તેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ 19.4 ઓવરમાં 166 રનમાં ઓલઆઉટ થતાં ભારત 15 રને વિજયી થયું હતું. હાર્દિક પંડ્યાએ 30 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 53 રન કર્યા હતા. જ્યારે શિવમ દુબેએ 34 બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 53 રન કર્યા હતા. ઇંગ્લેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગમાં ઉતારતા ભારતે 12 રનમાં 3 વિકેટ ગુમાવી દેતા તેનો નિર્ણય ફળ્યો લાગતો હતો. તેના પછી રિન્કુસિંઘ અને અભિષેકે ચોથી વિકેટની 46 રનની ભાગીદારી કરી ભારતને સ્થિરતા અપાવી હતી. ભારતે જ્યારે 58 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી ત્યારે લાગતું હતું કે ભારત મોટો સ્કોર નહીં કરી શકે. ભારતે 79 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધા પછી પંડ્યા અને દુબેએ છઠ્ઠી વિકેટ માટે 87 રનની ભાગીદારી નોંધાવી હતી. ભારતના સ્કોરનો જવાબ આપતા ઇંગ્લેન્ડે એક સમયે જબરદસ્ત પ્રારંભ કરતાં પહેલી છ ઓવરમાં જ દસની સરેરાશે બેટિંગ કરતા 62 રન ખડકી દીધા હતા, પરંતુ સ્પિનરો સામેની નબળાઈ ઇંગ્લેન્ડને નડી હતી. રવિ બિશ્નોઇએ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે કન્જકશન રુલ હેઠળ દુબેના સ્થાને આવેલા રાણાએ 3 વિકેટ ઝડપી ઇગ્લેન્ડના પરાજયમાં મહત્વની ભૂંમિકા ભજવી હતી. ત્રીજી ટી-20માં ઈગ્લેન્ડનો 26 રને વિજયઃ ઇંગ્લેન્ડે ભારત સામેની ત્રીજી ટી-20 મેચમાં ભારતને 26 રને હરાવ્યું હતું. આ મેચ રાજકોટમાં રમાઈ હતી. ટોસ હારીને બેટિગમાં ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે 9 વિકેટ 171 રન કર્યા હતા. આમ ભારતને જીતવા માટે 172 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. તેની સામે ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 146 રન કરી શકતા તે 26 રને મેચ હારી ગઈ હતી. આ મેચમાં ભારત વતી હાર્દિક પંડ્યાએ 35 બોલમાં સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા ઉપરાંત અભિષેક શર્માએ 24 રન કર્યા હતા. બાકીના બેટસમેનો સદંતર નિષ્ફળ ગયા હતા.

Report this page